પ્રેક્ટિસ માટે માર્ગદર્શિકા

વિપશ્યનાની શિબિર ખરેખર મૂલ્યવાન ત્યારે જ છે જો તે તમારા જીવનમાં પરિવર્તન લાવે છે, અને પરિવર્તન ત્યારે જ આવશે જો તમે સાધનાનો રોજ રોજ અભ્યાસ કરો છો. તમે જે શીખ્યા છો તેની નીચેની રૂપરેખા, સાધનામાં તમારી સતત સફળતા માટે, શુભેચ્છાઓ સાથે આપવામાં આવી છે.

શીલ

રોજિંદા જીવનમાં આનો અભ્યાસ પાંચ નિયમોનું પાલન કરીને કરવામાં આવે છે:

 • કોઈપણ જીવની હત્યા કરવાથી દૂર રહેવું,
 • ચોરીથી દૂર રહેવું,
 • જાતીય ગેરવર્તનથી દૂર રહેવું,
 • ખોટી વાણીથી દૂર રહેવું,
 • તમામ માદક પદાર્થોથી દૂર રહેવું.


ધ્યાન

પ્રેક્ટિસ જાળવવા માટે જરૂરી ન્યૂનતમ:

 • સવારે એક કલાક અને સાંજે એક કલાક,
 • ઉંઘતા પહેલા પથારીમાં સૂતી વખતે અને જાગ્યા પછી પાંચ મિનિટ,
 • જો શક્ય હોય તો, અઠવાડિયામાં એકવાર એક કલાક માટે વિપશ્યનાનો અભ્યાસ કરતા બીજા સાધકો સાથે સામૂહિક સાધના,
 • વર્ષમાં એક વાર દસ દિવસીય શિબિર અથવા સેલ્ફ કોર્સ,
 • અને જ્યારે જ્યારે અવકાશ મળે ધ્યાન માટે સમય કાઢવો.
રોજની સાધનામાં પ્રેક્ટિસ કેવી રીતે કરવી:

આનાપાન

જો મન આળસુ અથવા બેચેન હોય, જો સંવેદનાઓ અનુભવવી મુશ્કેલ હોય અથવા પ્રતિક્રિયા ના કરવી મુશ્કેલ હોય તો આનો અભ્યાસ કરો. તમે આનાપાન સાથે શરૂ કરી શકો છો અને પછી વિપશ્યના પર આવી જાઓ અથવા, જો જરૂરી હોય તો, પૂરા કલાક સુધી શ્વાસનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખો. આનાપાનની પ્રેક્ટિસ કરવા, મનને નસકોરાંની નીચે, ઉપરવાળા હોંઠની ઉપર કેન્દ્રિત કરો. દરેક શ્વાસની જાણકારી બની રહે, જેવો આવે છે, જેવો જાય છે. જો મન ખૂબ આળસુ અથવા બેચેન હોય, થોડા શ્વાસ જાણી જોઈને લો, ઇરાદાપૂર્વક, થોડા જોરથી. બાકી સમય તો, સહજ સ્વાભાવિક શ્વાસ.

વિપશ્યના

માથાથી પગ સુધી અને પગથી માથા સુધી, ક્રમવાર, શરીરના દરેક ભાગ પર મન લઈ જાઓ, જે કોઈ સંવેદનાનો અનુભવ થાય તેને જાણી લો, કોઈપણ સંવેદનાની અવહેલના ના થાય તેનું ધ્યાન રાખો. સાક્ષી ભાવથી, તટસ્થ ભાવથી જાણો; એટલે કે, બધી જ સંવેદનાઓનો અનુભવ કરતાં, એમના અનિત્ય સ્વભાવની સમજ સાથે સમતામાં રહો; પછી ભલે તે સુખદ-પ્રિય, દુખદ-અપ્રિય અથવા અસુખદ-અદુખદ (ન્યુટ્રલ) સંવેદના હોય. તમારું ધ્યાન ખસેડતા રહો. ક્યારેય કોઈપણ એક જગ્યાએ થોડી મિનિટોથી વધુ સમય માટે ના રહો. સાધનાને યંત્રવત ના થવા દેશો. સંવેદનાના પ્રકાર અનુસાર જુદી જુદી રીતે કામ કરતા રહો. શરીરના ભાગો જેમાં જુદી જુદી સ્થૂળ સંવેદનાઓ હોય તેમનું નિરીક્ષણ અલગથી એક એક અંગમાંથી મન પસાર કરતાં કરતાં કરી લો. એક સરખા ભાગ જેમ કે બંને હાથ, બંને પગ, જ્યાં જ્યાં એક સરખી સૂક્ષ્મ સંવેદના હોય તેમનું નિરીક્ષણ એક સાથે કરી લો. જો આખા શરીરમાં એક સરખી સૂક્ષ્મ સંવેદના હોય તો ક્યારેક ક્યારેક આખા શરીરમાં એકી સાથે મન ફેરવી લો, અને ફરી પાછું એક એક અંગમાંથી મન પસાર કરો.

કલાકના અંતે આરામ કરો, કોઈપણ માનસિક અથવા શારીરિક બેચેનીને શાંત થવા દો. પછી થોડીવાર માટે તમારું ધ્યાન શરીરમાં થતી સૂક્ષ્મ સંવેદનાઓ પર કેન્દ્રિત કરો, અને તમારા મન અને શરીરને બધા માટે સદ્ભાવનાની લાગણીઓ અને વિચારોથી ભરી દો.


ધ્યાન સમયગાળાની બહાર

તમારી સામે જે કોઈ મહત્વપૂર્ણ કામ હોય તેને તમારું સંપૂર્ણ અને અવિભાજિત ધ્યાન આપો, પરંતુ સમય સમય પર તપાસતા રહો કે તમે તમારી જાગૃતિ અને સમતા જાળવી રહ્યા છો. જ્યારે પણ કોઈ સમસ્યા ઊભી થાય, જો શક્ય હોય તો તમારા શ્વાસ અથવા સંવેદનાની જાણકારી બનાવવાનો પ્રયત્ન કરો, ભલે થોડી સેકંડ માટે પણ. આ તમને વિવિધ પરિસ્થિતિઓમાં સંતુલિત રહેવામાં મદદ કરશે.

દાન

તમને જે અણમોલ રત્ન મળ્યું છે તે બીજાઓ સાથે વહેંચો. આમ કરવાથી આત્મકેન્દ્રિત રહેવાની જૂની આદત નાબૂદ કરવામાં મદદ મળે છે. સાધકોને અહેસાસ થાય છે કે સૌથી મૂલ્યવાન રત્ન જે બીજાઓ સાથે વહેંચી શકીએ છીએ તે ધર્મ છે. ધર્મ શીખવાડવા માટે સક્ષમ ના પણ હોઈએ, તો પણ બીજાઓને સાધના શીખવામાં મદદરૂપ થઈ શકીએ છીએ. આવા શુદ્ધ ભાવથી બીજા સાધકોને ધર્મ પ્રાપ્ત થાય તે માટે દાન આપી શકીએ છીએ.

દાન વિશ્વભરના શિબિરો અને કેન્દ્રો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે.


નિઃસ્વાર્થ સેવા

હજુ વધુ મોટું દાન, શિબિરોનું આયોજન કરવામાં અથવા ચલાવવામાં મદદ કરીને અથવા અન્ય ધર્મ સેવાના કાર્યો કરીને, પોતાનો સમય અને પરિશ્રમ આપવું છે. જે બધા લોકો મદદ કરે છે (આચાર્યો અને સહાયક આચાર્યો સહિત), તેઓ તેમની સેવા દાનના રૂપમાં આપે છે, બદલામાં કંઈપણ મેળવ્યા વિના. આ સેવા માત્ર બીજાઓને જ ફાયદો નથી કરતી, પણ જે લોકો સેવા આપી રહ્યા છે તેમનો અહં ઓગાળવા માટે, વિદ્યાને વધુ ઊંડાણથી સમજવા માટે, અને આવી રીતે માર્ગ પર આગળ વધવામાં તેમની પણ મદદ કરે છે.


એકાયનો મગ્ગો (એક માત્ર માર્ગ)

આ સાધના વિધિનું, અન્ય ધ્યાન પદ્ધતિઓ સાથે, મિશ્રણ ના થાય તેનું ધ્યાન રાખો. જો તમે બીજી કોઈ પ્રેક્ટિસ કરતા હો, તો તમે કઈ સાધના પસંદ કરો છો તે નકકી કરવા, વિપશ્યનાના બે-ત્રણ શિબિરમાં ભાગ લઈ શકો છો. ત્યાર પછી તમને સૌથી યોગ્ય અને ફાયદાકારક લાગે તે સાધના પસંદ કરો અને તમારી જાતને તેના પ્રત્યે સમર્પિત કરો.


વિપશ્યના વિષે બીજાઓને જાણ કરવું

તમે બીજાઓને સાધના વિશે જાણ કરી શકો છો, પણ તેમને શીખવાડવાનો પ્રયત્ન કરશો નહીં. તેમની મદદ કરવાને બદલે તમે તેમને મૂંઝવણમાં મૂકી શકો છો. જે લોકો ધ્યાન કરવા ઇચ્છતા હોય તેમને શિબિરમાં, જ્યાં યોગ્ય રીતે પ્રશિક્ષિત માર્ગદર્શક હોય, જોડાવા માટે પ્રોત્સાહિત કરો.


સામાન્ય રીતે

પ્રગતિ ધીરે ધીરે થાય છે. ભૂલો તો થવાની – આપણે તેમાંથી શીખવું જોઈએ. જ્યારે આપણને ખબર પડે છે કે ભૂલ થઈ છે, હસતા મોંઢે ફરી કામ શરૂ કરી દઈએ!

ધ્યાન કરતી વખતે સુસ્તી, બેચેની, મન ભટકવું અને અન્ય મુશ્કેલીઓનો અનુભવ કરવો સામાન્ય છે, પરંતુ જો આપણે પ્રયત્ન કરતા રહીએ છીએ તો આપણે સફળ થઈશું.

માર્ગદર્શન માટે આચાર્યો અથવા સહાયક આચાર્યોનો સંપર્ક કરવા માટે આપનું સ્વાગત છે.

ગુરુ ભાઈ-બહેનોની મદદનો ઉપયોગ કરીએ. સામૂહિક સાધના આપણને બળ આપે છે.

કેન્દ્રો અથવા ધમ્મ ભવનોમાં, જ્યારે પણ શક્ય હોય, ભલે થોડા દિવસો અથવા થોડા કલાકો માટે, ત્યાં ધ્યાન માટે બેસવા જઈ ત્યાંના શાંત વાતાવરણનો ઉપયોગ કરીએ. જૂના સાધક તરીકે, આપણે દસ દિવસના શિબિરમાં અંશકાલિક (પાર્ટ-ટાઈમ) માટે પણ જઇ શકીએ છીએ, જગ્યાની ઉપલબ્ધતાના આધારે, અને એ માનીને કે આપણે આ વિપશ્યના સાધનાની જ પ્રેક્ટિસ કરીએ છીએ.

સાચું જ્ઞાન તો એ ઓળખવામાં અને સ્વીકારવામાં છે કે બધા જ અનુભવ અસ્થાયી છે. આ આંતરસૂઝ રાખીશું તો ઉતાર-ચઢાવ આપણા પર હાવી નહીં થઈ શકે. અને જ્યારે આપણે આંતરિક સંતુલન જાળવી શકીશું, તો આપણે પોતાના માટે અને બીજાઓ માટે ખુશીનું વાતાવરણ સર્જીને કામ કરવા સક્ષમ બનીશું. દરેક ક્ષણમાં મનને સમતામાં રાખી, ખુશીથી જીવીને, આપણે બધાજ દુઃખમાંથી મુક્તિના અંતિમ લક્ષ્ય તરફ ચોક્કસ રીતે પ્રગતિ કરીશું.


વારંવાર વપરાશમાં લેવાતા શબ્દો

નીચે દર્શાવેલ મોટાભાગના શબ્દો પાલી ભાષામાંથી લેવામાં આવ્યા છે. ભાષાની મર્યાદા અક્ષરોના યોગ્ય વર્ણનાત્મક નિશાનોનો સમાવેશ કરવાનું અશક્ય બનાવે છે. પાલી શબ્દોના યોગ્ય ઉચ્ચારને સરળ બનાવવા માટે બીજા મુદ્રિત સ્ત્રોતનો સંપર્ક કરવો જોઈએ જેમાં આ નિશાનોનો સમાવેશ થાય છે.

ત્રણ શિક્ષાપદ/પ્રશિક્ષણ:

 • શીલ-સદાચાર
 • સમાધિ-એકાગ્રતા, મનને વશમાં કરવું
 • પ્રજ્ઞા-જ્ઞાન, આત્મ-નિરીક્ષણ જે મનને શુદ્ધ કરે છે

ત્રિ-રત્ન (ત્રણ રત્નો):

 • બુદ્ધ-કોઈ પણ વ્યક્તિ જેમણે સંપૂર્ણ રીતે બોધિત્વ પ્રાપ્ત કરી લીધું છે
 • ધર્મ-પ્રકૃતિનો નિયમ; કોઈ પણ બુદ્ધની શિક્ષા; મુક્તિનો માર્ગ
 • સંઘ-કોઈ પણ વ્યક્તિ જે ધર્મના માર્ગ પર ચાલતાં ચાલતાં નિર્મળ મનના થઈ ગયા છે, સંત પુરુષ

મનના વિકારોના ત્રણ મૂળ કારણ:

 • રાગ/લોભ-તૃષ્ણા
 • દ્વેષ-ઘૃણા
 • મોહ-અજ્ઞાનતા

આર્ય અષ્ટાંગિક માર્ગ:

 • સમ્મા વાચા – સમ્યક વાણી
 • સમ્મા કમ્મન્તો – સમ્યક કર્માન્ત/કર્મ
 • સમ્મા આજીવો – સમ્યક આજીવિકા
 • સમ્મા વાયામો – સમ્યક વ્યાયામ
 • સમ્મા સતિ – સમ્યક જાગરુકતા
 • સમ્મા સમાધિ – સમ્યક સમાધિ/એકાગ્રતા
 • સમ્મા સંકપ્પો – સમ્યક સંકલ્પ
 • સમ્મા દિટ્ઠી – સમ્યક દૃષ્ટિ/દર્શન

નિબ્બાણ - નિર્વાણ-મોક્ષ, પરમ સત્ય જે ઇન્દ્રિયાતીત અવસ્થા (મન અને શરીરથી પરે) છે

ત્રણ પ્રકારની પ્રજ્ઞા:

 • સુતમયી પ્રજ્ઞા -સાંભળેલું/વાંચેલું જ્ઞાન
 • ચિંતામયી પ્રજ્ઞા -બૌદ્ધિક, ચિંતન-મનનનું જ્ઞાન
 • ભાવનામયી પ્રજ્ઞા -પોતાના વ્યક્તિગત અનુભવથી પ્રાપ્ત જ્ઞાન

ત્રણ લક્ષણ:

 • અનિચ્ચા-અનિત્ય/પરિવર્તનશીલ
 • અનત્તા-અનાત્મ/અહંકાર શૂન્ય
 • દુઃખ-દુઃખ

કમ્મ-કર્મ; ખાસ કરીને, એવું કર્મ જે ભવિષ્યમાં કર્મ ફળ આપશે

ચાર આર્ય સત્ય:

 • દુઃખ આર્ય સત્ય
 • દુઃખ સમુદય આર્ય સત્ય (દુઃખનું કારણ – તૃષ્ણા)
 • દુઃખ નિરોધ આર્ય સત્ય
 • દુઃખ નિરોધનો માર્ગ આર્ય સત્ય

પંચ-ઉપાદાન સ્કંધ:

 • રૂપ-શરીર; ભૌતિક શરીર જે નાના નાના પરમાણુઓ (કલાપો) થી બનેલું છે
 • વિજ્ઞાન-ચેતના, જીવીતેન્દ્રિય સંજ્ઞાન
 • સંજ્ઞા-ઓળખ શક્તિ, મૂલ્યાંકન ટેવ
 • વેદના-સંવેદના/શરીર પરની અનુભૂતિ
 • સંસ્કાર- પ્રતિક્રિયા; મનની ટેવ

ચાર ભૌતિક તત્ત્વો:

 • પથવી - પૃથ્વી (ઠોસપણું, વજન)
 • આપો-જળ (પ્રવાહીતા, જોડાણ-સુસંઘઠિત)
 • વાયો-વાયુ (વાયુ-યુક્ત, હલન-ચલન)
 • તેજો-અગ્નિ (તાપમાન)

પાંચ નીવરણ/આવરણ/દુશ્મનો:

 • કામ-છંદ-રાગ
 • વ્યાપાદ-દ્વેષ
 • થીન-મિદ્ધ -શારીરિક આળસ અને માનસિક સુસ્તી
 • ઔદ્ધચ્ચ-કોકૃત્ય -ઉદ્ધતતા અને બેચેની
 • વિચિક્છા-સંદેહ, અનિશ્ચિતતા

પાંચ મિત્રો/બળ:

 • સદ્ધા-શ્રદ્ધા
 • વીર્ય-પુરુષાર્થ
 • સતિ-જાગરુકતા
 • સમાધિ-એકાગ્રતા
 • પંયા-પ્રજ્ઞા/જ્ઞાન

પરમાણુ ઉત્પન્ન થવાના ચાર કારણ:

 • આહાર/ભોજન
 • વાતાવરણ/વાયુમંડળ
 • વર્તમાન માનસિક પ્રતિક્રિયા/સંસ્કાર
 • જૂના સંસ્કાર

નિર્મળ મનના ચાર ગુણ:

 • મેત્તા-મૈત્રી
 • કરુણા-કરુણા
 • મુદિતા-મુદિતા
 • ઉપેક્ખા-ઉપેક્ષા/સમતા

સતિપટ્ઠાન-જાગરુકતાનું સ્થાપિત થવું; વિપશ્યનાનો પર્યાય શબ્દ

ચાર સતિપટ્ઠાન:

 • કાયાનુપસ્સના-કાયાની અનુપસ્સના/અનુભવ
 • વેદનાનુપસ્સના-સંવેદનાની અનુપસ્સના/અનુભવ
 • ચિત્તાનુપસ્સના-મનની અનુપસ્સના/અનુભવ
 • ધમ્માનુપસ્સના-ધર્મ/ચૈતસિકની અનુપસ્સના/અનુભવ

સૌ સુખી થાઓ! સૌનું મંગળ થાઓ!


ગોએંકાજી નો સંદેશ

સૌ સુખી થાઓ! સૌનું મંગળ થાઓ!