વિપશ્યના
સયાજી ઉ બા ખિનની પરંપરામાં
સાધના
આચાર્ય ગોયન્કાજી દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના સાધના
પ્રવચન દિવસ ત્રણ
આર્ય અષ્ટાંગિક માર્ગ: પ્રજ્ઞા- પ્રાપ્ત કરેલું જ્ઞાન, બૌદ્ધિક જ્ઞાન, અનુભવથી જાણેલું જ્ઞાન-- કલાપ – ચાર તત્વો, ત્રણ ગુણ: અનિત્યતા, અહંનો ભ્રાંતિભર્યો સ્વભાવ, દુઃખ – ભાસમાન સચ્ચાઈનું છેદન-ભેદન
ત્રીજો દિવસ પૂરો થયો. કાલે બપોરે તમે પ્રજ્ઞાના ક્ષેત્રમાં પગ મુકશો, પ્રત્યક્ષ જ્ઞાન: આર્ય અષ્ટાંગિક માર્ગનો ત્રીજો વિભાગ. જ્ઞાન વિના માર્ગ અધૂરો રહે છે.
આપણે માર્ગ પર ચાલવાનું શીલના અભ્યાસથી શરૂ કરીએ છીએ, એટલે કે, બીજાઓને હાનિ પહોંચાડવાથી દૂર રહીને; જો કે આપણે બીજાઓને હાનિ નથી પહોંચાડતા તો પણ આપણે મનમાં વિકારો જગાડીને પોતાને નુકસાન પહોંચાડીએ છીએ. એટલા માટે જ આપણે સમાધિના અભ્યાસની તાલીમ લઈએ છીએ, જે મનને નિયંત્રિત કરવાનું, વિકારો જે જાગી ગયા છે તેમને દબાવવાનું શીખવે છે. જો કે, વિકારોને દબાવવાથી તેમનું ઉન્મૂલન નથી થતું. તેઓ અંતરમનમાં દબાએલા રહે છે અને ત્યાં તે વધતા રહે છે, આપણને નુકસાન પહોંચાડવાનું ચાલુ રાખે છે. તેથી ધર્મનું ત્રીજું પગલું, પ્રજ્ઞા i>: ન તો દૂષણોને ખુલ્લી છૂટ આપવી, ન તો તેમને દબાવવું, પરંતુ તેમને ઉભરાવા દેવું અને નાબૂદ થવા દેવું. જ્યારે વિકારો નાબૂદ થાય છે, ત્યારે મન અશુદ્ધિઓથી મુક્ત થાય છે. અને જ્યારે મન શુદ્ધ થઈ જાય છે, ત્યાર પછી આપણે પ્રયત્નો કર્યા વગર એવાં બધા કર્મોથી દૂર રહીએ છીએ જે બીજાઓને હાનિ પહોંચાડે છે કારણ કે સ્વભાવથી શુદ્ધ મન બીજાઓ માટે સદ્ભાવ અને કરુણાથી ભરેલું હોય છે. તેવી જ રીતે, કોઈ પણ પ્રયત્નો કર્યા વગર આપણે પોતાને નુકસાન પહોંચાડતા કર્મોથી દૂર રહીએ છીએ. આપણે સુખી, સ્વસ્થ જીવન જીવીએ છીએ. આમ માર્ગનું દરેક પગલું આગળના પગલા તરફ લઈ જવું જોઈએ. શીલ i> - સમાધિ i> ના વિકાસ તરફ લઈ જાય છે, સમ્યક સમાધિ; સમાધિ i> - પ્રજ્ઞા i> ના વિકાસ તરફ દોરી જાય છે, જ્ઞાન જે મનને શુદ્ધ કરે છે; પ્રજ્ઞા i> - નિર્વાણ i> તરફ લઈ જાય છે, બધા વિકારોથી મુક્તિ, સંપૂર્ણ બોધિત્વ.
પ્રજ્ઞા ના વિભાગમાં આર્ય અષ્ટાંગિક માર્ગના બે વધુ ભાગ આવે છે:
(7)સમ્યક સંકલ્પ-- સમ્યક વિચારો. એવું જરૂરી નથી કે આપણે જ્ઞાનનો વિકાસ શરૂ કરતાં પહેલાં વિચારોની આખી પ્રક્રિયા બંધ કરી દેવી જોઈએ. ભલે વિચારો રહે, પણ હવે વિચારોમાં પરિવર્તન આવવા લાગે છે. શ્વાસની જાણકારી રાખવાના અભ્યાસને કારણે મનની સપાટીના સ્તરે ઉત્પન્ન થતા વિકારો દૂર થવા લાગે છે. રાગ, દ્વેષ અને મોહ-મૂઢતાના વિચારોને બદલે સ્વસ્થ વિચારો, ધર્મ વિશે વિચારો, પોતાને મુક્ત કરવાની રીતના વિચારો શરૂ થાય છે.
(8)સમ્યક દૃષ્ટિ i>-- સમ્યક દર્શન. આ જ સાચા અર્થમાં પ્રજ્ઞા i> છે, સચ્ચાઈને જેવી છે તેવી સમજવી, જેમ દેખાય છે તેમ નહીં.
પ્રજ્ઞા, અનુભવથી જાણેલું જ્ઞાન, તેના વિકાસમાં ત્રણ તબક્કા છે. પ્રથમ શ્રુતમયી પ્રજ્ઞા, બીજાના શબ્દો સાંભળીને અથવા વાંચીને પ્રાપ્ત કરેલું જ્ઞાન. આપણને સાચી દિશા બતાવવા માટે આ સાંભળેલું જ્ઞાન ઘણું મદદરૂપ થાય છે. જો કે તે એકલું મુક્તિ સુધી નથી લઈ જઇ શકતું, કારણ કે હકીકતમાં તો તે ફક્ત માંગેલું જ જ્ઞાન છે. કદાચ આપણે તેને અંધ શ્રદ્ધાથી સાચું માનીએ છીએ, અથવા કદાચ તેને ભયભીત થઈને માનીએ છીએ એ ડરથી કે નહીં માનવાથી નરકમાં જવું પડશે, અથવા કદાચ તેને લાલચથી માનીએ છીએ એ આશામાં કે માની લેવાથી સ્વર્ગમાં જવાશે. પરંતુ કોઈ પણ સંજોગોમાં, તે પોતાના અનુભવથી જાણેલું જ્ઞાન નથી.
શ્રુતમયી જ્ઞાનનું કામ આગલા તબક્કા તરફ દોરી જવાનું હોવું જોઈએ: ચિંતનમયી પ્રજ્ઞા, બૌદ્ધિક સમજણ. આપણે જે સાંભળ્યું છે અથવા વાંચ્યું છે તેને બુદ્ધિની કસોટી પર ચકાસી જોવું જોઈએ કે તે યુક્તિસંગત છે, ન્યાયસંગત છે, તર્કસંગત છે, લાભકારી છે; જો એમ હોય, તો પછી આપણે તેનો સ્વીકાર કરીએ છીએ. આ તર્કસંગત સમજ પણ મહત્વપૂર્ણ છે, પરંતુ જો તેને જ અંતિમ લક્ષ્ય માની લઈશું તો તે ખૂબ જોખમી બની જશે. આપણે આપણું બૌદ્ધિક જ્ઞાન વિકસાવીએ છીએ, અને નક્કી કરીએ છીએ કે હવે આપણે જ્ઞાની થઈ ગયા; તો આપણે જે કઈં શીખ્યા છીએ તે આપણો અહં જગાડવાનું કારણ બની જશે; આપણે મુક્તિથી ખૂબ દૂર છીએ.
બૌદ્ધિક સમજણ કે ચિંતનમયી પ્રજ્ઞાનું યોગ્ય કાર્ય એ પછીના તબક્કા ભાવનામયી પ્રજ્ઞા, પોતાની અંદર અનુભવના સ્તરે જે જ્ઞાન જાગે છે, તે તરફ દોરી જવાનું છે. આ સાચું જ્ઞાન છે. શ્રુતમયી જ્ઞાન અને ચિંતનમયી જ્ઞાન ખૂબ જ ઉપયોગી છે, જો તેઓ આગળનું પગલું લેવાની પ્રેરણા અને માર્ગદર્શન આપે. જો કે એ તો ફક્ત ભાવનામયી જ્ઞાન જ છે જે આપણને મુક્તિ તરફ લઈ જઇ શકે છે કારણ કે આ આપણું પોતાનું જ્ઞાન છે, આપણા પોતાના અનુભવના આધારે જાગેલું જ્ઞાન.
ત્રણ પ્રકારના જ્ઞાનનું એક ઉદાહરણ: કોઈ ડોક્ટર એક બીમાર માણસને દવા માટે પ્રિસ્ક્રિપ્શન આપે છે. તે માણસ ઘરે જાય છે, અને તેના ડોક્ટરમાં ખૂબ વિશ્વાસ હોવાના કારણે તે દરરોજ પ્રિસ્ક્રિપ્શનનું પાઠ કરે છે; આ શ્રુતમયી પ્રજ્ઞા છે. તેનાથી સંતોષ ના માનીને, તે માણસ પાછો ડોક્ટર પાસે આવે છે, અને પ્રિસ્ક્રિપ્શન વિશે ખુલાસો પ્રાપ્ત કરે છે, આ દવા શા માટે જરૂરી છે અને તે કેવી રીતે કામ કરશે; આ ચિંતનમયી પ્રજ્ઞા છે. છેવટે માણસ દવા લે છે; તો જ તેનો રોગ નાબૂદ થાય છે. લાભ ફક્ત ત્રીજા પગલા, ભાવનામયી પ્રજ્ઞાથી જ આવે છે.
આપણે આ શિબિરમાં જાતેજ દવા લેવા આવ્યા છીએ, આપણા પોતાના જ્ઞાનનો વિકાસ કરવા માટે. એવું કરવા માટે, આપણે સચ્ચાઈને અનુભવના સ્તરે સમજવું જોઈએ. એટલી બધી મૂંઝવણ-ગૂંચવણ હોય છે કારણ કે જે વસ્તુ-સ્થિતિ જેવી દેખાય છે તે તેમના સાચા સ્વભાવથી તદ્દન અલગ હોય છે. આ મૂંઝવણને દૂર કરવા માટે, આપણે ભાવનામયી પ્રજ્ઞા (અનુભવથી જાણેલું જ્ઞાન) કેળવવું જરૂરી છે. અને શરીરના માળખાની બહાર, સત્યનો અનુભવ નથી કરી શકાતો; તેનું ફક્ત બૌદ્ધિકરણ કરી શકાય છે. તેથી આપણે બધી ભ્રમણાઓ, બધા બંધનોમાંથી બહાર આવવા માટે, આપણી અંદર સૌથી વધુ સ્થૂળથી લઈને સૌથી વધુ સૂક્ષ્મ સ્તર સુધી સચ્ચાઈનો અનુભવ કરવાની ક્ષમતા વિકસિત કરવી જોઈએ.
દરેક વ્યક્તિ જાણે છે કે આખું બ્રહ્માંડ સતત બદલાતું રહે છે, પરંતુ આ સચ્ચાઈની માત્ર બૌદ્ધિક સમજ મદદરૂપ નહીં થાય; આપણે તેને પોતાની અંદર અનુભવ કરવાનો હોય છે. કદાચ કોઈ દુખદાયક ઘટના, જેમ કે કોઈ નજીકના અથવા પ્રિય વ્યક્તિનું મૃત્યુ, આપણને અનિત્યતાની કઠોર સચ્ચાઈનો સામનો કરાવે છે, અને આપણું જ્ઞાન જાગવાનું શરૂ થાય છે- સાંસારિક ચીજ વસ્તુઓ પાછળ દોટ મૂકવાની અને અન્ય લોકો સાથે ઝઘડવાની નિરર્થકતા દેખાવા લાગે છે. પરંતુ ટૂંક સમયમાં અહંકારની જૂની આદત ફરીથી હાવી થવા લાગે છે, અને જ્ઞાન ઓસરવા માંડે છે, કારણ કે તે સીધા, વ્યક્તિગત અનુભવ પર આધારિત નહોતું. આપણે અનિત્યતાની સચ્ચાઈનો અનુભવ પોતાની અંદર નથી કર્યો.
બધું ક્ષણ-ભંગુર છે, દરેક ક્ષણે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે-- અનિત્ય; પરંતુ પ્રક્રિયાની તીવ્રતા અને સાતત્ય સ્થિરતાનો ભ્રમ બનાવે છે. મીણબત્તીની જ્યોત અને ઇલેક્ટ્રિક લેમ્પનો પ્રકાશ બંને સતત બદલાતા રહે છે. જો, આપણી ઇન્દ્રિયો દ્વારા બદલાવની પ્રક્રિયાને જાણી શકીએ છીએ, જેમ કે મીણબત્તીની જ્યોતની બાબતમાં જે શક્ય છે, તો પછી તે ભ્રમણામાંથી બહાર આવી શકીએ છીએ. પરંતુ જ્યારે, જેમ કે ઇલેક્ટ્રિક બલ્બની બાબતમાં, બદલાવ એટલો ઝડપી અને સતત હોય છે કે આપણી ઇન્દ્રિયો આ બદલાવને જાણી નથી શકતી, તો પછી ભ્રમણા તોડવી ઘણી વધુ મુશ્કેલ બને છે. આપણે વહેતી નદીમાં સતત થતું પરિવર્તન જાણી શકીએ છીએ, પણ એ કેવી રીતે સમજી શકીશું કે નદીમાં સ્નાન કરતો માણસ પણ દરેક ક્ષણે બદલાઈ રહ્યો છે?
ભ્રમ તોડવાનો એકમાત્ર રસ્તો એ છે કે પોતાની અંદર શોધ કરવાનું શિખીએ, અને પોતાની શારીરિક અને માનસિક રચનાની સચ્ચાઈનો અનુભવ કરીએ. સિદ્ધાર્થ ગૌતમે બુદ્ધ બનવા માટે આ જ કર્યું હતું. બધી પૂર્વધારણાઓને એક બાજુ મૂકીને, તેણે શારીરિક અને માનસિક રચનાના સાચા સ્વભાવને શોધવા માટે પોતાને તપાસ્યા. ઉપરછલ્લી, ભાસમાન સચ્ચાઈના સ્તરથી પ્રારંભ કરીને, તે સૌથી વધુ સૂક્ષ્મ સ્તર સુધી પહોંચ્યા, અને તેમણે જોયું કે આખી ભૌતિક રચના, આખું ભૌતિક જગત, પરમાણુ કણોથી બનેલું છે, જેને પાલી ભાષામાં અષ્ટ કલાપ i> કહેવામાં આવે છે. અને તેમણે શોધ્યું કે આવા દરેક કણમાં, ચાર ભૌતિક તત્વો - પૃથ્વીતત્ત્વ, જળતત્ત્વ, અગ્નિતત્ત્વ, વાયુતત્ત્વ - અને તેમના પોતપોતાના ગુણ, ધર્મ, સ્વભાવ જોડાઈ ગયા. તેમણે જોયું કે આ કલાપ કોઈ પણ પદાર્થને ઘડવામાં મૂળભૂત એકમ છે, અને તે પોતે સતત ખૂબ જ તીવ્રતાથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે-- એક સેકન્ડમાં અનેક શત સહસ્ત્ર કોટિ વાર. સાચા અર્થમાં ભૌતિક વિશ્વમાં કોઈ નક્કરતા નથી; ફક્ત પ્રજ્વલન અને પ્રકંપન સિવાય કંઈ નથી.
આધુનિક વૈજ્ઞાનિકોએ બુદ્ધના તારણોની પુષ્ટિ કરી છે, અને પ્રયોગ દ્વારા સાબિત કર્યું છે કે સમગ્ર ભૌતિક બ્રહ્માંડ પરમાણુ કણોથી બનેલું છે જે ખૂબ ઝડપથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. જો કે, આ વૈજ્ઞાનિકો બધા દુખોમાંથી મુક્ત થયા નથી, કારણ કે તેમનું જ્ઞાન માત્ર બૌદ્ધિક છે. બુદ્ધથી વિપરીત, તેઓએ સત્યનો સીધો અનુભવ પોતાની અંદર કર્યો નથી. જ્યારે આપણે પોતાની અનિત્યતાની સચ્ચાઈનો અનુભવ પોતે વ્યક્તિગત રીતે કરીએ છીએ, ત્યારે જ દુખમાંથી બહાર આવવાનું શરૂ કરીએ છીએ.
જેમ જેમ અનિત્ય i> ની સમજ પોતાની અંદર વિકસિત થાય છે તેમ, પ્રજ્ઞાનું બીજું પાસું જાગૃત થાય છે: અનાત્મ i>, "હું" નથી, "મારું" નથી. શારીરિક અને માનસિક બંધારણની અંદર, એવું કંઈ નથી જે એક ક્ષણ કરતા વધારે ચાલતું હોય, એવું કંઈપણ નથી જેને વ્યક્તિ કોઈ અપરિવર્તનશીલ સ્વ અથવા આત્મા તરીકે ઓળખી શકે. જો કંઇક ખરેખર "મારું" એવું હોય, તો આપણે તેને નિયંત્રિત કરવા માટે સક્ષમ હોવું જોઈએ, પરંતુ હકીકતમાં આપણા શરીર ઉપર પણ આપણું કોઈ આધિપત્ય નથી: તે આપણી ઇચ્છાઓને અવગણીને બદલાતું રહે છે, ક્ષીણ થતું રહે છે.
ત્યાર બાદ પ્રજ્ઞાનું ત્રીજું પાસું વિકસિત થાય છે: દુખ i>. જો આપણે પોતાના નિયંત્રણની બહાર બદલાતી રહેતી હોય તેવી કોઈ વસ્તુ પર આધિપત્ય જમાવી તેને પકડી રાખવા પ્રયત્ન કરીએ છીએ, તો પછી આપણે આપણા માટે દુઃખ જ પેદા કરીશું. સામાન્ય રીતે, આપણે ઇંદ્રિયોના અપ્રિય અનુભવોને દુખ તરીકે ઓળખતા હોઈએ છીએ, પરંતુ પ્રિય, સુખદ અનુભવો પણ સમાન રીતે દુઃખનું કારણ હોઈ શકે છે, જો આપણે તેમના પ્રત્યે ચિપકાવ પેદા કરી લઈએ છીએ, કારણ કે તે પણ સમાનરૂપે અસ્થાયી છે. જે ક્ષણ-ભંગુર છે તેનાથી ચિપકાવ નિશ્ચિતરૂપે દુઃખમાં પરિણમે છે.
જ્યારે અનિત્ય, અનાત્મ, અને દુઃખ ની સમજણ પ્રબળ થશે, ત્યારે પ્રજ્ઞા આપણા દૈનિક જીવનમાં પ્રગટ થશે. જેમ આપણે ભાસમાન સચ્ચાઈ થી આગળ અંદરની સચ્ચાઈને જાણવાનું શીખ્યા, તેવી જ રીતે બાહ્ય સંજોગોમાં આપણે ભાસમાન સચ્ચાઈ ની સાથે સાથે પરમાર્થ સત્ય ને પણ જાણતા થઈશું. આપણે ભ્રાંતિઓમાંથી બહાર આવીશું અને સુખી, સ્વસ્થ જીવન જીવીશું.
ઘણી ભ્રમણાઓ ભાસમાન, સંકલિત, એકીકૃત સચ્ચાઈ દ્વારા બનાવવામાં આવે છે - ઉદાહરણ તરીકે, શારીરિક સુંદરતાનો ભ્રમ. શરીર ત્યારે જ સુંદર દેખાય છે જ્યારે એને સંસ્લિષ્ટ જોઈએ છીએ. તેનો કોઈપણ ભાગ, જ્યારે અલગથી જોવામાં આવે છે, તે આકર્ષણ વિના, સુંદરતા વિના અશુભ જણાય છે. શારીરિક સુંદરતા ઉપરછલ્લી ભાસમાન સચ્ચાઈ છે, તે પરમાર્થ સચ્ચાઈ નથી.
જો કે, શારીરિક સૌંદર્યના ભ્રાંતિપૂર્ણ સ્વભાવની સમજ આવવાથી બીજાઓ પ્રત્યે દ્વેષ નહીં થાય. જેમ જેમ પ્રજ્ઞા જાગૃત થાય છે, કુદરતી રીતે મન સંતુલિત, નિરાસક્ત, શુદ્ધ, બધા પ્રત્યે સદ્ભાવથી ભરેલું થાય છે. પોતાની અંદરની સચ્ચાઈને અનુભવથી જાણી, આપણે ભ્રાંતિઓ, રાગ અને દ્વેષથી બહાર આવી શકીએ છીએ, અને શાંતિથી-ખુશીથી જીવી શકીએ છીએ.
કાલે બપોરે, જ્યારે આપણે વિપશ્યનાનો અભ્યાસ શરૂ કરીશું તો પ્રજ્ઞાના ક્ષેત્રમાં પહેલા પગલાં લઈશું. એવી અપેક્ષા નહીં રાખીએ કે શરૂ કરતાં જ આપણે આખા શરીરમાં બધા જ પરમાણુઓનું ઉત્પન્ન થવું - નાશ પામવું અનુભવવા લાગીશું. ના એવું નહીં થાય; શરૂઆત તો સ્થૂળ ભાસમાન સચ્ચાઈના અનુભવથી જ કરીએ છીએ, અને મનનું સંતુલન (સમતા) રાખવાથી, ધીમે ધીમે આપણે સૂક્ષ્મ સત્યનો અનુભવ કરતા જઈએ છીએ, મન અને શરીરના પરમાર્થ સત્ય તરફ, મન જે પણ કઈં ધારણ કરે છે તેના પરમાર્થ સત્ય તરફ; અને છેવટે મન અને શરીરથી આગળ ઇન્દ્રિયાતીત, ભવાતીત પરમાર્થ સત્યનો પણ અનુભવ કરી લઈશું.
આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે, આપણે જાતે જ કામ કરવું પડે છે. તેથી આપણે શીલ i> ને મજબૂત રાખીશું, કારણ કે એ તો સાધનાનો આધાર છે, અને કાલ બપોરના 3 વાગ્યા સુધી આનાપાનનો અભ્યાસ કરતા રહીશું; નસકોરાના ક્ષેત્રમાં સચ્ચાઈનો અનુભવ કરતા રહીશું. આપણા મનને તીક્ષ્ણ કરતા રહીશું જેથી કાલે બપોરે જ્યારે વિપશ્યનાના અભ્યાસની શરૂઆત કરીએ તો અંતરમનના ઊંડાણ સુધી પહોંચ બનાવી શકીએ અને ત્યાં છુપાએલા વિકારોનું ઉન્મૂલન કરી શકીએ. ખૂબ ધૈર્યથી, લગનથી, નિરંતરતાથી કામ કરતા જ રહીએ, પોતાના કલ્યાણ માટે, પોતાની મુક્તિ માટે.
મુક્તિના માર્ગ પર પ્રથમ પગલાં લેવામાં સૌ સફળ થાઓ.
સૌ સુખી થાઓ! સૌનું મંગળ થાઓ!